જ્ઞાન-વિજ્ઞાન અને આધુનિકતાનાં સમયમાં યુવાવર્ગનાં સર્વાંગી વિકાસ માટે સુરત ખાતે સરદાર ધામનાં નિર્માણનું ભૂમિપૂજન
જ્ઞાન-વિજ્ઞાન અને આધુનિકતાનાં સમયમાં યુવાવર્ગનાં સર્વાંગી વિકાસ માટે સુરત ખાતે સરદાર ધામનાં નિર્માણનું ભૂમિપૂજન થઇ રહ્યું છે, આ ધન્યતાપૂર્ણ અવસર પર સરદારધામ ટ્રસ્ટ સાથે જોડાયેલા સૌ સભ્યોને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું.
આપણાં સૌનાં પ્રેરણાસ્ત્રોત લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનાં ચરણોમાં શત-શત નમન અર્પણ કરું છું. સરદાર વલ્લભભાઇ પટેલનાં નામ સાથે જોડાયેલું આ સરદાર ધામ તાપીથી લઇને વાપી સુધીનાં સૌ યુવાનો માટે ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. સરદારધામમાં શિક્ષણ અને સંસ્કારોનાં સમન્વય વચ્ચે યુવાનોનાં ઉજ્જવળ ભવિષ્યની પરિકલ્પના ઘડાશે અને એ સફળતાપૂર્વક સાકાર પણ થશે. સરદારધામ ટ્રસ્ટનાં સૌ સભ્યોએ પોતાનાં અથાક પરિશ્રમ અને સમર્પણથી સેવાનાં આ પ્રોજેક્ટને આકાર આપ્યો છે. આપ સૌનું આ સમર્પણ અને સેવાનો સંકલ્પ યુવાનો માટે પ્રેરણાદાયી છે.
યુવાનો રાષ્ટ્રસેવાનાં સંકલ્પ સાથે દેશનાં ઘડતરમાં પોતાનો ફાળો આપી શકે એ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સ્કિલ ડેવલપમેન્ટ, ઉચ્ચ અને સમાજપયોગી શિક્ષણ પ્રાપ્ત કરી આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ અને ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિનાં સંસ્કાર સાથે વીર નર્મદની ભૂમિ પર જોવાયેલા સરદારધામનું સ્વપ્ન સાકાર થશે એનો મને વિશ્વાસ છે. સરદારધામમાં યુવાનોની સાથે-સાથે ગરીબ વિદ્યાર્થીઓ અને મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેનો મને આનંદ છે.
સુરતની ભૂમિ પર આકાર પામનારું આ સરદારધામ દેશનાં ભવિષ્યને મજબૂત બનાવવાની સાથે-સાથે નવી પેઢીને સરદાર વલ્લભભાઇ પટેલનાં સંસ્કારો અને આદર્શો સાથે જીવવાની પ્રેરણા પૂરી પાડશે. આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવામાં સરદાર ધામની પણ વિશેષ ભૂમિકા રહેશે.