મોદી સરકારની સિદ્ધિઓ દર્શાવતું બ્રેઇલલીપીમાં પુસ્તકઃ સાંસદ સી. આર. પાટીલ દ્વારા વિમોચન

27 June , 2018

મોદી સરકારની સિદ્ધિઓ દર્શાવતું બ્રેઇલલીપીમાં પુસ્તકઃ સાંસદ સી. આર. પાટીલ દ્વારા વિમોચન - ચિત્રલેખા

નવસારી – અહીંના સંસદસભ્ય સી.આર.પાટીલે છેલ્લા થોડા સમયથી વિવિધક્ષેત્રના લોકો સાથે સીધો સંપર્ક કરી સંવાદનો કાર્યક્રમ સાંસદ સાથે સંવાદ શરુ કર્યો છે. એ કાર્યક્રમમાં એક કાર્યક્રમ દિવ્યાંગો સાથે પણ કર્યો હતો, જેમાં નેત્રહીન લોકો સુધી પણ મોદી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ બ્રેઈલલીપીમાં પહોંચે એવો વિચાર વ્યક્ત થયો હતો. એ વિચારને આજે મૂર્તિમંત સ્વરૂપ મળ્યું અને સમગ્રદેશમાં પ્રથમ વખત  સાફ નિયત, સહી વિકાસ  નામક સરકારની સિદ્ધિઓના બ્રેઈલલીપીમાં છપાયેલા પુસ્તકનું વિમોચન સાંસદ સી.આર. પાટીલ, અંધજનમંડળના આનંદભાઈ ચોખાવાલા તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં થયું હતું.

વડા પ્રધાન મોદી સરકારના ચાર વર્ષના કાર્યકાળની ઉપલબ્ધીઓને નેત્રહીન લોકો સુધી પહોંચાડવા માટે ભારતમાં પ્રથમ વખત બ્રેઈલલીપીમાં પુસ્તક બનાવીને એનું વિમોચન આજે સવારે ઘોડદોડ રોડસ્થિત નેત્રહીનો માટેની શાળા ખાતે પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. પાટીલે દિવ્યાંગ લોકો માટે મોદી સરકારે લીધેલા કેટલાક મહત્ત્વનાં પગલાં અને યોજનાઓની રજૂઆત કરી હતી. દેશમાં વિવિધ શિબિરો થકી ૮ લાખ જેટલા દિવ્યાંગોને સાધન-સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. દિવ્યાંગજનો માટેનું આરક્ષણ ત્રણથી વધારીને ચાર ટકા કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં અંધજનમંડળના ટ્રસ્ટીઓ આનંદભાઈ ચોખાવાલા, સુનીલભાઈ જાગીરદાર, ભા.જ.પા. સુરત શહેર ઉપાધ્યક્ષ છોટુભાઈ પાટીલ, પરેશભાઈ પટેલ, યૂથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશભાઈ પાટીલ, અંધજન શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.