એમસીઆઈ દ્વારા વિધિવત્ રીતે નવું નોટિફિકેશન બહાર પાડીને ચાલુ વર્ષની નીટની પરીક્ષામાંથી વિદેશમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મુક્તિ આપવાનો નિર્ણય

24 April , 2018

ગત ૧લી માર્ચ ૨૦૧૮ના રોજ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ફરજીયાત નીટની પરીક્ષા આપવા સંદર્ભે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જે સંદર્ભે ફિલિપાઈન્સની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓના પ્રતિનિધિ મંડળ દ્વારા કેન્દ્રીય મંત્રી શ્રી જે.પી. નડ્ડાજી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જે.પી. નડ્ડાજીએ સમગ્ર રજુઆતને ધ્યાનપૂર્વક સાંભળ્યા બાદ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી એમ.સી.આઈ. (મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા)ને પત્ર લખીને આ સંદર્ભે વહેલી તકે યોગ્ય નિરાકરણની હૈયાધરપત આપી હતી. જેના ભાગ રૂપે એમસીઆઈ દ્વારા વિધિવત્ રીતે નવું નોટિફિકેશન બહાર પાડીને ચાલુ વર્ષની નીટની પરીક્ષામાંથી વિદેશમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે.