ટ્રેન અને પ્લેન આંદોલન

03 January , 2017

ફેબ્રુઆરી ૨૦૧૦માં સુરત ખાતે ટ્રેન માટે થયેલા એક આંદોલન અનેક લોકોના સ્મૃતિપટ ઉપરથી નીકળતું નથી. એ આંદોલન ન ભૂતો ન ભવિષ્યતી હતું. સાંસદ સી.આર.પાટીલને નેતૃત્વ હેઠળ જડબેસલાક આયોજન સાથે વાપી થી લઈને ભરૂચ સુધી તેમજ ઉધના થી સોનગઢ સુધી દરેક રેલ્વે સ્ટેશન ઉપર લગભગ ૧,૫૦,૦૦૦ કાર્યકરો એકસાથે ઉતરી આવ્યા હતા.

માંગ હતી લાંબા સમયથી સુરત અને દક્ષિણ ગુજરાતની રેલ્વે મંત્રાલય દ્વારા થતી સતત અવગણના. માંગણીઓના ૧૫ મુદ્દા સાથે સાંસદ સી આર પાટીલની આગેવાનીમાં આ આંદોલન ઉપાડ્યું હતું. આ આંદોલન એટલું તીવ્ર હતું કે ત્યારની યુ.પી.એ. સરકારે તાત્કાલિક એની નોંધ લેવી પડી હતી. પશ્ચિમ રેલ્વેના જી.એમ.એ માંગણીઓને સ્વીકારીને લેખિત માં પ્રશ્નોનો નિવેડો લાવવાની ખાતરી આપી ત્યારે આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું. આંદોલન થાય અને ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં એના નિવેડાની લેખિત ખાતરી મળી જાય એવું જવલ્લેજ બને છે જે સાંસદ સી આર પાટીલના રેલ્વે આંદોલન વખતે જોવા મળ્યું હતું.

આંદોલનની ત્વરિત અસર થઇ અને એ બાદ એક પછી એક માંગણીઓ સરકારે સ્વીકારી લીધી છે. આંદોલન વખતના ૧૫ મુદ્દા ઉપર સાંસદશ્રીએ સતત મંત્રાલયમાં ફોલોઅપ લીધુ હતું અને આ મુદ્દાઓને જયારે તક મળી ત્યારે સંસદની અંદર પણ ઉઠાવ્યા હતા. સુરતથી મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ-બિહારને જોડતી ટ્રેનની સંખ્યા વધારવાની માંગ હતી. આજે આંદોલન ના આટલા વર્ષ પછી એમાં ખાસો વધારો જોવા મળે છે. એજ રીતે સુરત નું રેલ્વે સ્ટેશન એકદમ ગંદુ-ગોબરું રહેતું એની સફાઈ ની માંગ પણ આંદોલન વખતે જ થયેલી. હવે સ્થિતિ એ થઇ છે કે સુરત નું રેલ્વે સ્ટેશન દેશના સ્વચ્છ રેલ્વે સ્ટેશનમાં ગણાય છે. એ જ રીતે સુરત ને વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશનની જે પ્રક્રિયા શરુ થઇ છે એમાં પણ સુરત અને નવસારી થી રેલ્વે વિભાગ પાસે સતત થતી માંગણીઓ મહત્વની સાબિત થઇ છે.

ટ્રેનની જેમ જ સુરતને વિમાની સેવા માટે પણ સતત અન્યાય થતો હતો. પ્રજાના પ્રતિનિધિઓ અનેક રજૂઆત દિલ્હીમાં કરી હતી છતાં પરિણામ આવતું ના હતું. વધુ વિમાની સેવાની માંગ સાથે એક આંદોલન એરપોર્ટ પાસે ગોઠવાયું. અનેક પ્રકારની માંગોની યાદી આવી, યુવાનો એ સોશિયલ મીડિયા ઉપર સક્રિયતા બતાવી. સાંસદની આગેવાનીમાં આંદોલન એરપોર્ટ નજીક થયું. સાંસદ સી આર પાટીલની આગેવાનીમાં જેટલા લોકો દિલ્હી જવા માટે એરપોર્ટની અંદર ગયા હતા એ બધા રનવે ઉપર પ્લેન ની સામે બેસી ગયેલા. આવી રીતે એમને પ્લેન રોકેલું. પ્લેન રોકો આંદોલન એ ભારતના ઇતિહાસનું પ્રથમ આંદોલન હતું જે સફળ રહ્યું.

સુરતમાં જે વિમાની સેવા અત્યારે છે એણે યથાવત રાખીને એમાં વધારો અને સુધારો કરવા માટે આજે પણ સાંસદ સી.આર.પાટીલ એકદમ સક્રિય છે. ઉડ્ડયન મંત્રી અને એમના મંત્રાલયથી લઈને એર ઇન્ડિયાના જનરલ મેનેજર સુધી દરેક સુધી સુરતને લગતી માંગણી સતત પહોચાડવામાં આવે છે. એના કારણે સુરતમાં હવે તબક્કાવાર વિના સેવા વધુ વિસ્તરી રહી છે.